આપણી અંગત ક્ષણો

આપણી અંગત ક્ષણોમાં હું તને
ક્યારેક કહી બેસું છું કે
તારી ત્વચા મને ગાર કરેલી ભોંય જેવી લાગે છે.
તું છંછેડાઈને, અળગી થઈને, મોં ફેરવી સુઈ જાય છે.
તું કડી પૂછતી નથી કે “ગાર કરેલી ભોંય”
પાછળ ભાવ કયો હોય છે
જૂના ઘરની એ ભોંયની ઠંડી મીઠી નિરાંતની વાત
હું પૂછ્યા વગર કહી શકતો નથી.
ક્યારેક એમ જ હું બોલી બેસું છું કે
તારા બંને હાથ મને કોઈ વટવૃક્ષના મૂળ જેવા લાગે છે.
તું પછી એ સંભાળવા રોકાતી નથી કે હું મને
એ વૃક્ષની છેલ્લી ટોચ લાગું છું.
તારા સંનિષ્ઠ પ્રયત્નો એક પુરૂષને સમજી જવાના
મારા પ્રયત્નો વ્યક્તિ તરીકે પ્રગટ થવાના
તારાં સપનાં સીધેસીધાં ગુલાબી રંગનાં
મારાં સપનાં સફેદ મિશ્રિત લાલ રંગનાં
તું કદી પૂછતી નથી
હું કહી શકતો નથી
અને આપણે જાતમાં ને જાતમાં
વિભાજિત થતા જઈએ છીએ.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

Advertisements

નાનકડા પક્ષીની જેમ

નાનકડા પક્ષીની જેમ મને
વૃક્ષની ટોચે બેસીને ઝૂલવું ગમે છે.
ત્યાં હું મારૂં ગીત મુક્ત અને મોટા અવાજે
આભ તરફ ચાંચ તાકીને ગાઉં છું.

સુરજ ભલેને મોટી આંખો એની ફાડતો,
હું કઈ નહીં ડરૂં, બસ ગાયા કરૂં છું.
ઘુવડ ભલે ને મને ગાળો દેતું-દેતું
પોતાની ઊંઘને બગાડતું.
એને જવાબ પણ આપ્યા વગર
હું ગાયે જ જાઉં છું.
પવન ભલેને મને બેશરમ કહેતો
હું મોટેથી જ કાયમ ગાતી, ને –
હજીયે ગાઉં છું.

મને કોઈ ના બોલાવશો – છંછેડશો
હું ઘરની બારીએ બેસીને
આભની બારી થાઉં છું.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

ચહેરા-મહોરા

વારંવાર નવા-નવા ચહેરાઓ
અને પાછા મહોરાઓ.
સામે આવે છે એ ચહેરો છે કે મહોરું
એ ઓળખવામાં કાયમ ભૂલ થઇ જાય.
પછી મહોરાઓ તો સમય જતા ફાટી જાય,
ને આરપાર દેખાય ચહેરો.
પ્રેમના મહોરા પાછળ મજાકનો,
ને મૈત્રીના મહોરા હેઠળ દ્વેષનો.
વિખરાઈ જાય બંધાતો-ઘડાતો વિશ્વાસ.
પણ, પાછું કોઈ મહોરું (જેને માન્યો હોય ચહેરો)
સામે આવે, ને વળી
સ્નેહ તરસ્યું મન ફરીથી પછાડવા-ભટકવા
સામેથી દોડ્યું જાય.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

મન

મન.
માત્ર બે અક્ષર
નહી કાનો નહી માતર,
જાણે invisible શર.
મન એટલે છેતરામણી ગ્લેસિયર
‘ને દૂધ ઉપરની તર.
જીવવા ઈચ્છે તો તું એની સપાટી પર સર,
નહિ તો ડૂબકી મારી મર.
કોણ કહે છે, “મન એટલે –
માત્ર બે અક્ષર?”
એ તો અક્ષરોનું અ-ક્ષર દર
‘ને મૌન અર્થસભર.
નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂