થેંક યુ ડોક્ટર :)

આજે અમે મારા દીકરાને રસીકરણ માટે લઇ ગયાં. એ અઢી વર્ષનો છે અને બીજાં બાળકોની જેમ જ અત્યંત active, ઉછળતો-કૂદતો, સમજ-નાસમજની એક બહુ જ typical line પર આવી ઊભેલો, હમણાં જ નર્સરીમાં જતો થયેલો હોંશિયાર બાળક છે. અમે જેવાં દવાખાને પહોંચ્યાં કે તરત એણે પારખી લીધું કે હવે injection અપાશે. એણે રડી, ચીસો પાડી મારા હાથમાંથી છટકી જવા ખૂબ ધમપછાડા કર્યા. પણ રસીકરણ તો જરૂરી હતું. એમાં લાગણીવેડા ના પોસાય. મેં અને તરુણે ભેગા મળી એને ટેબલ પર સુવાડ્યો, અને હાથપગ જકડી રાખ્યા. ડોકટરે હસીને કહ્યું: “જો તું રડીશ નહી તો ચોકલેટ આપીશ”. છતાંયે રડવાનું ચાલુ રહ્યું. બે સેકંડ પછી મેં એણે તેડીને વહાલ કર્યું અને ડોક્ટરની રાજા માંગી. એ સાથે જ એ રડતો-રડતો બોલ્યો: “મમ્મી ચોકલેટ લેવાની બાકી છે”. ડોક્ટર કહે: “વચન આપીને ફરી નહી જી શકાય”. ચોકલેટ આપી, અને પછી જે વાક્યો ડોકટરે કહ્યાં એ મારા માટે કોઈ મોટા award થી જરાય ઊતરતા નહોતાં. આ રહ્યા એ શબ્દો:

“એની રોકકળ અને ધમપછાડાથી તમે કેમ મૂંઝાઈ જાઓ છો? એનું weight gain સરસ છે, એની પ્રવૃત્તિઓ normal છે. એ એની જેવડા બીજાં બાળકોની જેમ જ active અને હસતો-કૂદતો છે. તમે એણે best possible food આપો છો… બાળકના ઉછેરના દરેક તબક્કા enjoy કરો. એના રૂદનને તમારી નિરાશા ના બનાવો. એના ધમપછાડાને એનું દુઃખ ના સમજો. જુઓ, એનામાં કેટલી તાકાત છે, અને કેટલા હક્કપૂર્વક એ આ તાકાત તમારા પર અજમાવે છે. આ તાકાત અને આ હક્ક તમે એને આપ્યા છે, એનો સંતોષ મેળવો…”

એક working woman તરીકે હું એવી અનેક ઘટનાઓમાંથી પસાર થઇ છું જ એક યા બીજી રીતે એવું indicate કરવા મથે છે કે હું મારા બાળકને માટે સંપૂર્ણપણે સમર્પિત નથી – committeed નથી, કારણ કે દિવસના આઠ કલ્લાક હું એને મારાથી દૂર રાખું છું. આસપાસના લોકો, સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબોના અનેક પરિચિત-અપરિચિત માણસો, જેમાંના મોટા ભાગનાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે desperat હોય, એવા લોકો માટે આવું બોલવું અત્યંત આનંદદાયક હોય છે. આમાં છુપાયેલા પરપીડન વિશે તેઓ ભાગ્યે જ સભાન હોય છે. પરંતુ સામા પક્ષે મારી જેવાં લોકો કે જે આવા common lot માટે બહુ જ sensitive હોય અને એ lot ની frame of acceptance ની બહાર હોય, એમને માટે આવી વાતો સાંભળવી બહુ મુશ્કેલ હોય છે. મારા કેટલાક colleagues આવા લોકોને ધિક્કારે છે, કારણ કે તેઓ તેમને સમજ્યા વગર જ પીડા આપે છે. તેઓ આવા common lot – કે જે મોટા ભાગે ગૃહિણીઓનો બનેલો છે – તેમને ઈર્ષાળુ પણ કહે છે. કેટલેક અંશે એ સાચું હશે અને ખોટું પણ. ‘દ્રાક્ષ ખાટી છે’ એવું યૌક્તીકરણ કરતાં આ લોકો તેમની પાસે જે છે એ જ સારું અને બીજું બધું ખરાબ ગણે છે, જે બહુ જ સ્વાભાવિક છે, અને કદાચ દયાજનક પણ.

પરંતુ આ ધ્વારા હું જે કહેવા માગું છું એ તો જુદું જ છે. ડોકટરે અજાણતાં જ મને એ કહ્યું જે સંભાળવું મારા માટે સ્વપ્ન હતું. કાયમ સાંભળેલી ચીજો કોઠે પડે, એમ એનું દુઃખ, પીડા પણ કોઠે પડેલાં. એવામાં કોઈએ અજાણતાં જ (કે પછી જાણીને?) મારા પુત્ર પ્રત્યેના સમર્પણ, ખ્યાલ, નિષ્ઠાને બિરદાવ્યાં. આઠ કલાકની નોકરી દરમ્યાન પુત્રને જરાયે કોઈ ખોટ ન સાલે, અગવડ ના પડે એ માટે અનેક કષ્ટ સહન કરી, એને મોટો કરતાં જવાની મારી સાધનાને વળી એક સમજુ માણસનો support મળી ગયો. આ વાત સૌની સાથે share કરવાની ઈચ્છા થઇ કારણ કે હું જાણું છું કે મારા જેવી અનેક સ્ત્રીઓ છે, જે at times આ બાબતે guilty feel કરે છે. જેઓ working woman ની બાળકો તથા કુટુંબ માટેની નિષ્ઠાને શંકાની દ્રષ્ટીએ જુએ છે એમનાથી પીડાઈને બધી બાજુથી પોતાની જાતને stretch કરતી રહેતી આ સ્ત્રીઓને આવા સમજુ માણસોની ખૂબ જરૂર છે. પોતાની ગેરહાજરીમાં બાળક શું કરશે, શું રમશે, ખાશે-પીશે, ક્યાં ચડશે, ક્યાંથી પડશે – આ બધું જ અગાઉથી વિચારી એને લગતી અનેક ગોઠવણો કરવી એ તો આજની દરેક working woman ના જીવનનો અનિવાર્ય હિસ્સો છે. અને આટલી નાની અમથી વાત માટે પણ કેટલી નિષ્ઠા અને કેટલું સાતત્ય જરૂરી છે એ તો એના કર્તા સિવાય બીજું કોણ જાણશે? સમયની વિપુલતા કદી સમયની ગુણવત્તાની ખાતરી નથી આપતી, અને ગુણવત્તા કદી જથ્થા (quantity ) ની મોહતાજ નથી હોતી. અસ્તુ.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

Advertisements

નાનકડા પક્ષીની જેમ

નાનકડા પક્ષીની જેમ મને
વૃક્ષની ટોચે બેસીને ઝૂલવું ગમે છે.
ત્યાં હું મારૂં ગીત મુક્ત અને મોટા અવાજે
આભ તરફ ચાંચ તાકીને ગાઉં છું.

સુરજ ભલેને મોટી આંખો એની ફાડતો,
હું કઈ નહીં ડરૂં, બસ ગાયા કરૂં છું.
ઘુવડ ભલે ને મને ગાળો દેતું-દેતું
પોતાની ઊંઘને બગાડતું.
એને જવાબ પણ આપ્યા વગર
હું ગાયે જ જાઉં છું.
પવન ભલેને મને બેશરમ કહેતો
હું મોટેથી જ કાયમ ગાતી, ને –
હજીયે ગાઉં છું.

મને કોઈ ના બોલાવશો – છંછેડશો
હું ઘરની બારીએ બેસીને
આભની બારી થાઉં છું.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

એક કવિતા

મારો ધસમસતો પ્રેમ તું સહી નહીં શકે.
તારો પ્રેમ પણ ગણતારીવાળો છે.
હું તો વરસી શકું સૂપડાધારે, ત્યારે –
તારો તો ખોબો યે કાણો હોય છે.
મને ખપે છે ભર્યું ભર્યું મૌન, ને
તારા તો શબ્દો યે ખાલી-ખાલી હોય છે.
તારા તાટસ્થને હું શું નામ આપું?
હું લાગણીથી લથબથ તું કોરોધાકોર હોય છે.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

પ્રાર્થના

શ્રદ્ધા મારું બળ બનજો;
ને મહેનત એ વિશ્વાસ,

ધ્યેય સુધી ધબકતા રહેજો;
આમ જ મારા શ્વાસ.

પ્રભુજી પ્યારા પૂરી કરજો;
નાનકડી આ આસ,

ધરતી ઉપર ઊભી રહીને;
આંબુ હું આકાશ!


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

ચહેરા-મહોરા

વારંવાર નવા-નવા ચહેરાઓ
અને પાછા મહોરાઓ.
સામે આવે છે એ ચહેરો છે કે મહોરું
એ ઓળખવામાં કાયમ ભૂલ થઇ જાય.
પછી મહોરાઓ તો સમય જતા ફાટી જાય,
ને આરપાર દેખાય ચહેરો.
પ્રેમના મહોરા પાછળ મજાકનો,
ને મૈત્રીના મહોરા હેઠળ દ્વેષનો.
વિખરાઈ જાય બંધાતો-ઘડાતો વિશ્વાસ.
પણ, પાછું કોઈ મહોરું (જેને માન્યો હોય ચહેરો)
સામે આવે, ને વળી
સ્નેહ તરસ્યું મન ફરીથી પછાડવા-ભટકવા
સામેથી દોડ્યું જાય.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

શું ગાંધારીમાં આત્મવિશ્વાસ નહોતો?

કૌરવોની માતા અને ધ્રુતરાષ્ટ્રની પત્ની ગાંધારી મહાભારતનું એક યાદગાર પાત્ર છે. પતિ ધ્રુતરાષ્ટ્ર અંધ છે એમ જાણ્યા બાદ જીવનભર પોતાની આંખે પણ કાળી પટ્ટી બાંધીને જીવનારી ગાંધારી ભારતની આદર્શ પતિવ્રતા નારીઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે.

થોડું વિચારતા લાગશે કે ‘પતિના પતિને દુઃખે દુઃખી અને પતિના સુખે સુખી’ એ આદર્શનું અહીં થોડું ‘dramatisation’ થયું છે. પતિનું હોય એ પોતાનું પણ હોય જ, ભલે એ સુખ હોય કે દુઃખ, આવી માન્યતાથી પ્રેરાઈને ગાંધારીએ આવું પગલું ભર્યું હશે?

શાસ્ત્રો કહે છે કે એકમેકને અનુકુળ થઈને વર્તવું એ પતિ-પત્નીનો ધર્મ છે. પતિ તથા પત્ની એકબીજાનાં પૂરક હોવાં જોઈએ. પરંતુ પતિના અંધાત્વની વાત જાણ્યા બાદ તેની એ ખામીની પૂરક બનવાને બદલે ગાંધારીએ પતિની જેટલા જ પરાધીન બનવાનું શા માટે પસંદ કર્યું? પતિને પોતાના સુખમાં, આનંદમાં સહભાગી બનાવવાને બદલે તેણે પતિના દુઃખમાં સહભાગી બનવાનું કેમ સ્વીકાર્યું? બંનેએ મળીને સુખી થવા કરતાં બંનેએ ભેગા મળીને દુઃખ વેઠવું ધર્મની દ્રષ્ટીએ વધુ યોગ્ય હતું?

અંધ પતિની આંખ બનવાને બદલે ગાંધારીએ પતિને વધારે પરાધીન બનાવી દીધો એમ ન કહેવાય? અને પોતે પણ જાણે સાચે જ અંધ હોય તેમ, ન માત્ર ચર્મચક્ષુથી, પરંતુ ક્યારેક અંતરચક્ષુથી પણ અંધ બની ગઈ. સ્થૂળ આંખો પર કાળા કાપડની પટ્ટી તથા સૂક્ષ્મ આંખો પર અતિવાત્સલ્યની પટ્ટી બાંધીને બંને રીતે અંધ બનવાથી જ મહાભારતનું યુદ્ધ થયું. માત્ર એક ‘symbolic’ પગલાને કારણે ગાંધારીએ પોતે પણ અસહ્ય વેદનાઓ જીરવવી પડી અને અન્યોના ભાગે પણ વેદનાઓ આવી. શું ગાંધારીમાં ધ્રુતરાષ્ટ્રની આંખો બની શકવાનો વિશ્વાસ નહોતો? કે પછી લગ્ન સુધી ધ્રુતરાષ્ટ્રના અંધત્વ બાબતે તેને જણાવવામાં આવ્યું નહોતું તે બાબત સામેનો એ મૂંગો બળવો હતો?

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

ધરતી અને છોડવાનું ગીત

છોડ પર ફૂલ કળીરૂપે બેઠું
ને છોડ લૂમેઝૂમે, ઘમ્મર ધૂમે!

કળી ધીરેધીરે પાંખો પસારે
છોડ ધરતીના તનને ચૂમે!

ઊગીને ઉભું થયું જાણે શિશુ સમું,
છાતી કાઢીને કેવું મલકે!

છોડ લળી જાય વાત ધરતીને કહેવા
મને ધરતી તો માડી લાગે.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂